Sukh Shital Karu Sansar
Gujarati | Hindi | English

Shri Krishna Pranami Dharma - 2

શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
જગદ્ગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ
ધર્મ ઃ
આજે દરેક માનવીને સુખ, શાંતિ અને આનંદની ઇચ્છા હોય છે. એને મેળવવા માટે કોઈ વધારે સંપત્તિ કમાવવા માટે મથામણ કરે છે તો કોઈ પોતાની પ્રતિષ્ઠા વધારવા ઇચ્છે છે. સંપત્તિ મેળવવાથી સાધનોમાં વધારો થાય, રહેવાનું ઘર સારું બનાવી શકાય અને પ્રતિષ્ઠા પામ્યા પછી હું સમાજમાં કંઈક છું તેમ માની શકાય. જોકે દરેકને સંપત્તિ અને પ્રતિષ્ઠાની કામના હોય જ છે પણ એ બધું થોડા કે વધુ પ્રમાણમાં મળ્યા પછી પણ આનંદનો અનુભવ નથી થતો. અને હજી કંઈક ખૂટે છે એવું થયા કરે છે. આવી પરિસ્થિતિમાં જો માનવીને આનંદનો અનુભવ કરવો હોય કે પરમ સુખને પામવું હોય તો ધર્મના શરણે જવું પડે, કારણ કે ધર્મ હોય તો જ સંપત્તિ અને પ્રતિષ્ઠા કામની, નહિતર એમાંથી માત્ર અહંકારનો જ વધારો થશે. માટે દરેક વ્યક્તિએ ધર્મના મર્મને સમજીને એનું પાલન કરવું જોઈએ.
ભારતીય સંસ્કૃતિ ધર્મને માનવીના એક અવિભાજ્ય અંગ તરીકે ગણે છે. ધર્મ મનુષ્યના જીવન સાથે એટલો વણાઈ ગયો છે કે દૈનંદિનમ્ની વ્યક્તિગત ક્રિયાઓથી લઈને પરસ્પરના પારિવારિક કે લૌકિક સંબંધોમાં દરેક વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરતી હોય છે. ધર્મ માત્ર ક્રિયા-કર્મ કે પૂજાપાઠ જ નથી, બલ્કે પૂજાપાઠ, ધ્યાન, ચિંતન, ભજન-ભક્તિની સાથોસાથ માનવીય વ્યવહારમાં કુશળતા મેળવીને સાચા અર્થમાં માનવ બની આત્મા અને પરમાત્માનો અનુભવ કરવો તે ધર્મ છે. માટે દરેક માનવીએ પહેલા પોતાના વ્યવહાર તથા આચરણમાં સુધારો કરી માનવતાનો ભાવ કેળવવો જોઈએ અને ત્યાર પછી હું કોણ છું, આ જગતમાં મારે આવવાનું કેમ થયું, આ જગતને બનાવનાર કોણ છે, તે ક્યાં રહે છે, તેમની સાથે મારા સંબંધો છે કે કેમ ? તે બાબતની જાણકારી મેળવવી જોઈએ. એના માટે જગતમાં અવતરેલ દરેક મહાપુરુષોએ દેશ, કાલ અને પરિસ્થિતિ મુજબ ઉપદેશો આપ્યા છે જેને આપણે ધર્મના ઉપદેશો કહીએ છીએ. આવા ઉપદેશોથી માનવના વ્યક્તિગત કે સમૂહગત ઉત્કર્ષની સાથોસાથ તેમને સ્વસ્વરૃપની અનુભૂતિ સુધીનો માર્ગ પ્રશસ્ત થતો હોય છે.
 
ધર્મ એક જ છે ઃ
વાસ્તવમાં ધર્મ એક જ છે જેનાથી માનવ માનવ બનીને આત્મા અને પરમાત્માની સાથોસાથ તેમના સંબંધની ઓળખ પ્રાપ્ત કરે છે. આત્મા અને પરમાત્મા સનાતન હોવાથી તેમનો અને તેમના સંબંધનો અનુભવ કે ઓળખાણ કરાવનાર ધર્મ પણ સનાતન કહેવાય છે. ધર્મના એ સનાતન સિદ્ધાન્તને સમજાવવા માટે આ જગતમાં મહાપુરુષો દ્વારા વિભિન્ન ઉપદેશો થયા છે જેનાથી આજે વિભિન્ન મત-મતાંતર તથા સમ્પ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. આ બધા સંપ્રદાયો માનવ જીવનમાં ઉત્કર્ષ માટે જ કાર્યો કરે છે. તે ઉત્કર્ષોમાં કેટલાક માનવને પશુતામાંથી માનવ બનાવે છે અથવા તેને માટે ઉપદેશ કરે છે તો કેટલાક માનવધર્મના ઉપદેશની સાથોસાથ આત્મા અને પરમાત્માની ઓળખ તેમજ અનુભૂતિ કરાવવાનો પ્રયત્ન કરે છે.
 
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ ઃ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોને જને-જને, ગૃહે-ગૃહે પહોંચાડવા માટે એટલે કે માનવ સર્વપ્રથમ માનવ બનીને જીવનનું પરમ ધ્યેય(લક્ષ્ય) આત્મા અને પરમાત્માની ઓળખાણ પ્રાપ્ત કરી આનંદનો અનુભવ કરે તે માટેના પ્રયત્નો કરે છે. પોતાના એટલે કે નિજસ્વરૃપના આનંદની અનુભૂતિ કરાવનાર હોવાથી એ 'નિજાનંદ સંપ્રદાય' ના નામે પણ ઓળખાય છે. પૂર્ણબ્રહ્મ પરમાત્મા એક જ છે અને તે ક્ષર જગત તેમજ અક્ષર ભૂમિકાથી પરે હોવાથી અક્ષરાતીત કહેવાય છે. તે પરમાત્મા બધી ચેતનાઓ(આત્માઓ)ના કેન્દ્રબિંદુ હોવાથી 'શ્રી કૃષ્ણ' કહેવાય છે અને વિશ્વ બ્રહ્માંડના સ્વામી(એકમાત્ર રાજા) હોવાથી 'શ્રી રાજ' નામથી ઓળખાય છે. આવા પૂર્ણબ્રહ્મ પરમાત્માને પોતાના આત્માના સ્વામી માનીને તેમના ચરણોમાં અનન્ય ભાવે પ્રણામ કરવાની પરંપરાને લીધે નિજાનંદ સંપ્રદાય હોવા છતાં એ 'શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ' તરીકે પ્રસિદ્ધ થયો છે.
 
નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ ઃ
આ સંપ્રદાયના આદિ આચાર્ય નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજનો જન્મ ઇ. સ. ૧૫૮૧ માં મારવાડ પ્રદેશમાં થયેલ. નાનપણથી જ તેમની ભાવના ધર્મ પ્રત્યે હતી. સાધુ-સંતો કે મંદિરોના પૂજારીઓ મળે તો તેમની સાથે ધર્મચર્ચામાં જોડાઈ જતા. ૧૬ વર્ષની વયે તેઓ ગૃહત્યાગ કરીને સત્ય જ્ઞાનની શોધમાં કચ્છમાં વિચરણ કરવા લાગ્યા. એમના મનમાં હું કોણ છું, આ દૃશ્યમાન જગત શું છે, એને બનાવનાર પરમાત્મા ક્યાં રહે છે, તેમની સાથે મારા સંબંધ છે કે નહીં ? વગેરે જિજ્ઞાસા હતી. એને લીધે કચ્છમાં તેઓ ૯ વર્ષ સુધી જુદા જુદા ધર્મસ્થાનોમાં ફર્યા પછી સૌરાષ્ટ્રની છોટી કાશી જામનગર આવ્યા.
 
પરમાત્માનો સાક્ષાત્કાર ઃ
જામનગર આવીને તેઓએ જુદા જુદા ધર્મસ્થળોની મુલાકાત લીધી. છેવટે શ્યામજીના મંદિરમાં જઈ કાનજીભટ્ટ નામના વિદ્વાન પાસેથી શ્રીમદ્ભાગવતની કથા સાંભળવાનું નક્કી કર્યું. એ રીતે કથા સાંભળતા ૧૪ વર્ષ વ્યતીત થયાં. વચ્ચે ઘણી મુશ્કેલીઓ આવી પણ તેની અવગણના કરીને આગળ વધતા રહ્યા. એક દિવસ કથા સાંભળતા ધ્યાનમગ્ન થયા ત્યારે ત્યાં પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીએ સાક્ષાત્ દર્શન આપ્યા અને મનની બધી જ જિજ્ઞાસાઓને શાંત કરતા પાતાલથી પરમધામ સુધીનું જ્ઞાન આપ્યું અને બ્રહ્મધામની લીલાઓ સમજાવીને કહ્યું કે બ્રહ્મધામના આત્માઓ આ જગતના નશ્વર ખેલને જોવા માટે સુરતારૃપે આવ્યા અને માયામય જગતમાં ભૂલા પડ્યા છે. તેમને જાગૃત કરીને પરમધામનો અનુભવ કરાવવા માટે તારતમ જ્ઞાનની સાથે તારતમ મંત્ર આપીને આ કાર્ય તમને સોંપું છું એમ કહીને ષોડશાક્ષર તારતમ મંત્ર પ્રદાન કર્યો અને તેમના હૃદયને પરમધામ બનાવી તેમા પધરામણી કરી(વિરાજમાન થયા).
 
ધર્મ પીઠની સ્થાપના ઃ
એ રીતે બ્રહ્મ સાક્ષાત્કાર અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ પછી શ્રી દેવચંદ્રજીએ એ જ બ્રહ્મજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી બ્રહ્માત્માઓને જાગૃત કરવાનું કાર્ય આરંભ કર્યું અને પોતાના વરદ હસ્તે ઇ.સ. ૧૬૩૦ માં ધર્મપીઠની સ્થાપના કરી એનું નામ 'નવતનપુરી ધામ' આપ્યું. હવે દિવસો દિવસ સત્સંગ ચર્ચાનું જોર વધવા લાગ્યું. ઘણા આત્માઓમાં જાગૃતિ આવી. એમાં જામનગરના દીવાન શ્રી કેશવરાયના સુપુત્ર શ્રી મહેરાજનું સ્થાન સર્વોચ્ચ છે. તેઓ પછીથી મહામતિ શ્રી પ્રાણનાથના નામે પ્રસિદ્ધ થયા.
 
મહામતિ શ્રી પ્રાણનાથજી ઃ
મહામતિ શ્રી પ્રાણનાથજીનો જન્મ વિ.સં. ૧૬૭૫(ઇ.સ. ૧૬૧૮)માં જામનગર, ગુજરાતમાં થયો. તેઓ માત્ર ૧૨ વર્ષની વયે નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજીના શિષ્ય બન્યા અને થોડા સમયમાં જ જ્ઞાન અને સાધના દ્વારા પોતાના આત્માને જાગૃત કરી તેઓએ બ્રહ્મજ્ઞાનના પ્રચાર-પ્રસાર તથા બ્રહ્માત્માઓની જાગૃતિનો ઉત્તરાધિકાર પ્રાપ્ત કર્યો. તેઓએ હંમેશા સદ્ગુરુની આજ્ઞામાં રહીને કાર્ય કર્યું અને તેમના ધામગમન(દેહ વિલય) પછી બ્રહ્મ જ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે દેશ વિદેશની યાત્રા કરી. આ યાત્રામાં તેઓએ પન્નામાં ધર્મપીઠની સ્થાપના કરી. સુરતમાં પણ ૧૭ મહિના સુધી રહી ધર્મચર્ચા કરી. તેઓશ્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈને અનેક દિગ્ગજ વિદ્વાનો તેમના શિષ્ય બન્યા. કાલાન્તરે ત્યાં પણ ધર્મપીઠની સ્થાપના થઈ. આ રીતે જામનગરમાં નવતનપુરી ધામ, સુરતમાં મહામંગલપુરી ધામ તથા પન્નામાં પદ્માવતીપુરી ધામ, આ ત્રણેય સ્થાન તીર્થના રૃપે પ્રસિદ્ધ થયા. મહામતિ શ્રી પ્રાણનાથજીએ દેશ-વિદેશમાં પરિભ્રમણ કરી રાજા મહારાજાઓને મુઘલ શાસકોના અત્યાચારથી પીડિત હિન્દુ પ્રજાની પીડા દૂર કરવા માટે અનેક રાજા મહારાજાઓને મુઘલ શાસકોની વિરુદ્ધ તૈયાર કર્યા. તેઓશ્રીએ હિન્દુ ધર્મમાં પ્રચલિત બાહ્ય આડમ્બર તથા રૃઢિવાદને દૂર કરી સ્વસ્થ, પ્રબુદ્ધ તથા જાગૃત સમાજના નિર્માણના પ્રયત્ન કર્યા તથા જુદા જુદા દેવી-દેવતાઓ તથા અવતારોની માન્યતાઓને સ્પષ્ટ કરી પરમ સત્યના રૃપે એક પરબ્રહ્મ પરમાત્માની વાત કહી.
મહામતિ શ્રી પ્રાણનાથજી દ્વારા પ્રસારિત શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનો વિસ્તાર તેમના પછી પણ વધતો ગયો. આજે ભારતના બધા જ પ્રાંતોમાં તથા ભારતથી બહાર નેપાળ તથા ભૂટાનમાં મળીને ૮૦૦ થી અધિક મંદિર તથા આધ્યાત્મિક તેમજ સામાજિક કેન્દ્ર બ્રહ્મજ્ઞાન તથા સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે. અમેરિકા, યુરોપ તથા કેનેડામાં પણ મંદિર તથા ધર્મના કેન્દ્ર કાર્યરત છે.
 
તારતમ સાગર ઃ
નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજના સિદ્ધાંતો તથા બ્રહ્મજ્ઞાનને અનુસરીને તેમના મુખ્ય શિષ્ય મહામતિ શ્રી પ્રાણનાથજીએ તેમની જ આજ્ઞાથી દેશ વિદેશમાં પરિભ્રમણ કરી ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. તે સમયે તેઓએ પોતાના ઉપદેશોથી અનેક આત્માઓને જાગૃત કર્યા. તે ઉપદેશોનો સંગ્રહ તારતમ સાગર નામથી પ્રસિદ્ધ છે. તેમાં ધર્મના સંપૂર્ણ સિદ્ધાંત તથા દર્શન સમાવિષ્ટ છે. નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી અને મહામતિ શ્રી પ્રાણનાથજીના જીવન ચરિત્રના ઐતિહાસિક ગ્રન્થને સંપ્રદાયમાં વીતક કહેવામાં આવે છે. આજે અનેક વીતક પદ્ય તથા ગદ્ય રૃપે ઉપલબ્ધ છે.
શ્રી તારતમ સાગર ગ્રન્થ રાસ, પ્રકાશ, ષટ્ઋતુ, કલશ, સનંધ, કિરંતન, ખુલાસા, ખિલવત, પરિક્રમા, સાગર, સિનગાર, સિંધી, મારફત સાગર, ક્યામતનામા જેવા ૧૪ અવાન્તર ગ્રન્થોનો સંગ્રહ છે. એમાં કુલ ૧૮૭૫૮ ચોપાઈઓ સંકલિત છે. આ વિશાળકાય ગ્રન્થમાં ધર્મના સિદ્ધાંત, દર્શન, સાધના પદ્ધતિ તથા માન્યતાની સાથોસાથ પરબ્રહ્મ પરમાત્માના, ધામ, સ્વરૃપ, નામ તથા લીલાઓનું વિશદ વર્ણન છે. તેમાં ધર્મમાં પ્રચલિત વિવિધ મતમતાન્તરો અને બાહ્ય આડંબરોનો ઉલ્લેખ કરી તેમનાથી મુક્ત થઈ ધર્મના શુદ્ધ સ્વરૃપને અનુસરવાની પ્રક્રિયાની સાથોસાથ એક ઉદાત, સુશિક્ષિત તથા સ્વસ્થ સમાજની રચનાની વાતો કરવામાં આવી છે.
 
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં નિર્દિષ્ટ તત્ત્વજ્ઞાન ઃ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં તારતમ જ્ઞાન તથા પ્રેમલક્ષણા ભક્તિનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલ છે. તારતમ જ્ઞાન દ્વારા આત્મા, પરમાત્મા તથા પરમધામની પિછાણ થાય છે અને પ્રેમલક્ષણા ભક્તિના દ્વારા તેમનો અનુભવ થાય છે. તારતમ જ્ઞાન યથાર્થ જ્ઞાન છે. જગતની નશ્વરતા, પાતાલથી સતલોક પર્યંતની પરિવર્તનશીલતા સહિત સમગ્ર ક્ષર બ્રહ્માંડની જાણકારીની સાથોસાથ અવિનાશી પરમધામનું તારતમ્ય યથાર્થ રૃપે સમજાવવાને કારણે એને તારતમ જ્ઞાન કહેવામાં આવ્યું છે.
આ સંપૂર્ણ બ્રહ્માંડ તથા એમના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાવાળા વિભિન્ન વિભૂતિઓ દેવી દેવતાઓથી લઈને ભગવાન નારાયણ સુધી બધા વ્યષ્ટિ તથા સમષ્ટિ જગત પરમાત્માના ક્ષર સ્વરૃપમાં આવે છે. સમગ્ર બ્રહ્માંડ ક્ષર કહેવાય છે. આવા અનંત બ્રહ્માંડોનું સર્જન કરવાવાળા પરમાત્માનું બીજુું સ્વરૃપ કાર્યબ્રહ્મ અથવા અક્ષરબ્રહ્મ કહેવાય છે. જેમાં પ્રણવ બ્રહ્મ, ગોલોકધામ, કેવલ બ્રહ્મ, સત્સ્વરૃપ વગેરે બધા સમાવિષ્ટ છે. અક્ષર બ્રહ્મને તેમના કાર્ય માટે પ્રેરણા તથા નિર્દેશન પ્રદાન કરવાવાળા પરમાત્માનું મૂળ સ્વરૃપ છે તે અક્ષરથી પણ ઉત્કૃષ્ટ અક્ષરાત્ પરતઃ પરઃ હોવાથી તેને અક્ષરાતીત, ઉત્તમ પુરુષ, પરમસત્ય વગેરે શબ્દોના દ્વારા નિર્દેશ કરેલ છે. સમ્પ્રદાયમાં તેમને જ શ્રી કૃષ્ણજી અથવા શ્રી રાજજીના નામથી પોકારવામાં આવે છે.
બ્રહ્મના ત્રણ સ્વરૃપની જેમ ચેતના(જીવ) ના પણ ત્રણ સ્વરૃપ કહેવામાં આવ્યા છે. તે છે જીવસૃષ્ટિ, ઈશ્વરીસૃષ્ટિ તથા બ્રહ્મસૃષ્ટિ. જીવસૃષ્ટિનું કાર્યક્ષેત્ર ક્ષર જગત હોવાથી તેમનો મુખ્ય સંબંધ પણ ક્ષરબ્રહ્મ અર્થાત્ ભગવાન નારાયણ તથા અન્ય ક્ષર વિભૂતિયોની સાથે છે. ઈશ્વરીસૃષ્ટિનો સંબંધ કાર્યબ્રહ્મ અક્ષર બ્રહ્મ સાથે છે. અને બ્રહ્મસૃષ્ટિનો મૂળ સંબંધ અક્ષરાતીત બ્રહ્મ શ્રી કૃષ્ણજી અર્થાત્ શ્રી રાજજી સાથે છે. જીવસૃષ્ટિ નશ્વર ખેલનું મુખ્યપાત્ર છે. બ્રહ્માત્માઓ અથવા ઈશ્વરી આત્માઓ જગતનો ખેલ જોવા માટે છે. જીવસૃષ્ટિને નશ્વર જગત પ્રિય લાગે છે. તેમને સામાન્ય રીતે પરમાત્માની પ્રત્યે જરાપણ રુચિ હોતી નથી. જ્યારે બ્રહ્મસૃષ્ટિ તથા ઈશ્વરી સૃષ્ટિ યાત્રિકોની જેમ જગતની યાત્રાનો આનંદ લે છે. પરંતુ તેઓ પણ માયા મોહના પ્રભાવમાં આવીને સ્વયંને, પોતાના સ્વામી પરમાત્મા તથા પોતાના ધામ પરમધામને પણ ભૂલી ગઈ. તેઓને જાગૃત કરવા માટે તારતમ જ્ઞાનનું અવતરણ થયું છે. એના દ્વારા જાગૃત થયેથી હૃદયમાં પ્રેમભાવ પ્રગટ થશે. પ્રેમથી પરમાત્માનો અનુભવ થશે. પ્રેમ બ્રહ્મનું જ સ્વરૃપ છે. પરમાત્મા પ્રત્યે અનન્ય ભાવને પતિવ્રતા ભાવ કહેવામાં આવ્યો છે. ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મની ઐશ્વર્ય લીલાના પાત્રો છે તથા બ્રહ્મસૃષ્ટિ પ્રેમલીલાના પાત્ર છે. તેઓને નશ્વર જગતનો ખેલ જોતાં જોતાં જળકમળવત્ રહેવાનું હોય છે, પરંતુ જાગૃત થયા પછી જ આ સંભવ છે. એટલા માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં આત્મ જાગૃતિ ઉપર વિશેષ બળ આપવામાં આવ્યું છે.
 
ધાર્મિક સ્વરૃપ ઃ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં દીક્ષિત વ્યક્તિને સુંદરસાથ કહેવામાં આવે છે. પૂજાપાઠ, ધ્યાન, ચિંતન, સત્સંગ વગેરે એમનો નિત્યક્રમ છે. સુંદરસાથની સંખ્યા તથા તેમની ભૌતિક ક્ષમતાના આધારે જુદા જુદા ક્ષેત્રોમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરોનું નિર્માણ થયું છે. આવા સાર્વજનિક મંદિર તથા ગૃહ મંદિરમાં સિંહાસન પર પૂર્ણબ્રહ્મ પરમાત્માના પ્રતીકના રૃપે તેમનું વાઙ્મય સ્વરૃપ શ્રી તારતમ સાગર ગ્રન્થને પધરાવવામાં આવે છે. આ વાઙ્મય સ્વરૃપને વાઘા વસ્ત્ર મુકુટ, બંશી, હાર વગેરેથી સુશોભિત કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવેલ અષ્ટવિગ્રહ મધ્યે વાઙ્મય સ્વરૃપની પૂજા જ્ઞાનની પૂજા છે. એટલા માટે જન્મ મરણાદિ જુદા જુદા પ્રસંગોમાં તારતમ સાગરનો પાઠ પારાયણ કરવામાં આવે છે.
સુંદરસાથ નિયમિત રૃપે દર્શન કરવા મંદિર જાય છે અને મંદિરમાં પધરાવેલા શ્રી તારતમ સાગરની ન્યૂનતમ પાંચ ચોપાઈઓનો પાઠ કરવો પોતાનું કર્તવ્ય સમજે છે. પોતાની અનુકૂળતા મુજબ દૈનિક વાણી ચર્ચા અથવા સાપ્તાહિક તથા પાક્ષિક સત્સંગમાં સામેલ થવા માટે પણ ઉત્સુક રહે છે. તીર્થસ્થાનોની સાથોસાથ જુદા જુદા ક્ષેત્રના મંદિરોમાં પણ પર્વો ઉત્સવો મનાવવામાં આવે છે.
 
વિશેષતા ઃ
સુંદરસાથની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ પરસ્પર મળે ત્યારે વર્ણ-વર્ગ, નાના-મોટા વગેરેનો ભેદભાવ રાખ્યા વગર પરસ્પર હાથજોડીને એક બીજાને પ્રણામ કરે છે. અભિવાદન તથા પ્રતિ અભિવાદન બંનેમાં પ્રણામ શબ્દનો પ્રયોગ થાય છે. આ સમ્પ્રદાયમાં ધુમ્રપાન, તમાકુ, મદ્યપાન માંસાહાર વગેરેને હંમેશાં ત્યાજ્ય ગણવામાં આવ્યા છે તથા દીર્ઘ કર્મકાંડની જાળથી ઉપર રહી પ્રેમલક્ષણા ભક્તિદ્વારા પૂર્ણબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. મહાત્માઓના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કારને બદલે ભૂમિ સંસ્કાર અથવા સમાધિ આપવામાં આવે છે જેથી તેમના શિષ્યો ત્યાં એકત્રિત થઈ પ્રાર્થના કરી શકે.
 
સમાજ ઉપયોગી કાર્યો ઃ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયી સમગ્ર ભારત, નેપાળ તથા વિશ્વના જુદા જુદા દેશોમાં ફેલાયેલા છે. આજે ૮૦૦ થી અધિક મંદિર તથા સેવાકેન્દ્ર ધાર્મિક તથા સમાજ ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. તેમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત વિશેષ રૃપથી શિક્ષા તથા સ્વાસ્થ્ય ઉપચાર મુખ્ય છે. પ્રાથમિક વિદ્યાલયથી લઈને મહાવિદ્યાલય તથા શોધ સંસ્થાન વિભિન્ન ક્ષેત્રોમાં છે. પ્રાકૃતિક પ્રકોપ(ભૂકંપ, પૂર, વાવાઝોડુ, દુષ્કાળ વગેરે) ના સમયે સહાય તથા પુનઃ વસવાટ માટે પણ પ્રણામી સંસ્થાઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. વિભિન્ન સંસ્થાઓમાં ગૌશાળાઓ છે અને આશ્રમોમાં અસહાય તથા અનાથ બાલ બાલિકાઓની સેવા થાય છે.
 
વર્તમાન સ્વરૃપ ઃ
દેશ વિદેશમાં ફેલાયેલા ૮૦૦ કેન્દ્રોમાં જામનગર, સૂરત તથા પન્ના સ્થિત ત્રણ પુરીઓ ઉપરાંત અનેક તપસ્વી સંતોએ વિભિન્ન ક્ષેત્રોમાં ધર્મસ્થાનોની સ્થાપના કરી છે. તેમાં આદરણીય સ્થાન હરિયાણામાં કરનાલ, ભિવાની, ઉત્તર પ્રદેશમાં શેરપુર, મટીહારી, મલીહાબાદ, બિહારમાં ગંગાપુર, પં. બંગાળમાં કાલિમ્પોંગ અને ગુજરાતમાં ભરોડા વગેરે મુખ્ય છે.
આ રીતે પરબ્રહ્મ પરમાત્માની ભક્તિની સાથે પ્રેમ, શાંતિ એકતા અને સદ્ભાવનાનો સંદેશ દેવાવાળો આ ધર્મ નિજાનંદાચાર્ય શ્રી દેવચન્દ્રજી મહારાજ તથા મહામતિ શ્રી પ્રાણનાથજીના નિર્દેશનોને ચરિતાર્થ કરતા વિભિન્ન ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

Write your Comments

Your Name:

Your Email:

Your Cell (+91.12345.12345):


Your Comment:

 

( Your Comment will be displayed after 24 hours )
20 Jun 13

Pali

If you wrote an atircle about life we'd all reach enlightenment.
20 Jun 13

Priya

That's way more celevr than I was expecting. Thanks!
06 Jun 13

kumari khanal

यो लेख धेरै राम्रो लाग्यो प्रणामी धर्मको लागि यसप्रकारको ग्यान किताबमा मात्र सीमित छ यसरी अहिलेको जमाना computer को छ मानिसहरु computer र net मा बस्छन् त्यसकारण यस्तो लेखहरु net मा राख्नु अतिखुशि लागेर मैले पनि पढे अब अरुलाई पनि सुनाउदछु । मेरो महाराजश्रीकाचरणमा साथै सम्पूर्ण सुन्दरसाथमा प्रणाम ।
22 Mar 13

NARANBHAI MARU

I LIKE THIS BLOG..PRANAM..
25 Feb 12

dave kalavti c

nais job pranam
23 Feb 12

ashok siliguri

wonderful job....hope we will come again...
16 Feb 12

Pradip Khatiwada

its really appreciating job.
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
Designed & Developed By : Nijananda Solutions